Friday, September 25, 2009

આંધળી માંનો કાગળ


અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્, પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત, ગગો એનો મુંબઇ ગામે; ગીગુભાઇ ગાંગજી નામે. લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ ! સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા'ડા ? ભાણાનો ભાણિયો લખે છે કે, ગીગુ રોજ મને ભેળો થાય, દન આખો જાય દા'ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય, નિત નવાં લૂગડાં પે'રે પાણી જેમ પૈસા વેરે. હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ, દવાદારૂના દોકડા આપણે ક્યાંથી કાઢશું બાપ ! કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઇ જ છે મૂડી. ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ, જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ, તારે પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું. દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ, આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ, તારે ગામ વીજળી દીવા, મારે આંહીં અંધારાં પીવાં. લિખિતંગ તારી આંધળી માંના વાંચજે ઝાઝા જુહાર, એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર, હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો.
-ઇન્દુલાલ ગાંધી

માધવ ક્યાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કાલિન્દીના  જલ  પર  ઝૂકી પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં વેણુ વાતા'તા વનમાળી

લહર વમળને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી

નંદ કહે જશુમતીને માતા વ્હાલ ઝરે લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

શિર  પર  ગોરસ  મટુકી,  મારી વાટ ન  કેમે  ખૂટી
અબ લગ કંકર એક ન લાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી

કાજળ કહે આંખોને  આંખો વાત વહે અંશુવનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં

કોણ માનશે?

મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારોય એક જમાનો હતો કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દીવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે?
માની રહ્યું છે જેને જમાનો જીવનમરણ
ઝઘડો એ ‘હા’ ને ‘ના’ નો હતો કોણ માનશે?
મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ,
એ પણ સમય નશાનો હતો કોણ માનશે?
હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે?
રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે?

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,

ફુલ કેરા સ્પર્શથી પણ
દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો
યાદ આવી જાય છે,
કેટલો નજીક છે
આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ
એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા
માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ
નિભાવી જાય છે.
આ વિરહની રાત છે
તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય
તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું છું,
લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું
જીવન હવે ક્યાં જીવાય છે.
- સૈફ પાલનપુરી

તમારા અહીં આજ પગલાં થવાના

તમારા અહીં  આજ  પગલાં થવાના
ચમનમાં બધાંને ખબર  થઈ ગઈ છે
ઝુકાવી છે ગરદન  બધી  ડાળીઓએ
ફૂલોની ય નીચી  નજર થઈ ગઈ છે

શરમનો  કરી  ડોળ સઘળું  જુએ છે
કળી   પાંદડીઓના  પડદે    રહીને
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારા નયનની અસર થઈ ગઈ છે

બધી   રાત   લોહીનું   પાણી  કરીને
બિછાવી છે  મોતીની  સેજો   ઉષાએ
પધારો  કે  આજે  ચમનની  યુવાની
બધાં  સાધનોથી  સભર થઈ ગઈ છે

હરિફો  ય   મેદાન  છોડી  ગયા  છે
નિહાળીને   કીકી  તમારાં  નયનની
મહેકંત  કોમળ   ગુલાબોની   કાયા
ભ્રમરડંખથી  બેફિકર  થઈ  ગઈ  છે

પરિમલની  સાથે  ગળે  હાથ  નાખી
કરે  છે  અનિલ   છેડતી   કૂંપળોની
ગજબની  ઘડી છે  કે  પ્રત્યેક  વસ્તુ
પુરાણા  મલાજાથી પર થઈ ગઈ છે

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન
કલાકારનું   ચિત્ર     સંપૂર્ણ     જાણે
તમે જો ન હો  તો બધાં  કહી  ઉઠે  કે
વિધાતાથી  કોઈ  કસર  થઈ  ગઈ છે

‘ગની’  કલ્પનાનું  જગત પણ છે કેવું
કે આવી રહી  છે  મને  મારી  ઈર્ષ્યા
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને
ઘણી  જન્નતોમાં  સફર  થઈ ગઈ છે

એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે

એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે
આગળ પાછળ તારી એ
આખો દી ફરતો રાઉન્ડ રે…
એના આખા જીવનનું તું
લાગે છે કમ્પાઉન્ડ રે…
ક્યારેક આવી ખોલે છે તું…
કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો gate કરે છે
ધીમે ધીમે પડશે સમજણ
કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું
પહેલા તો રીમઝીમ…
તારા માટે તડપે છે એ…
નાહકનો એને તું who is that કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે

મળવાનુ વચન આપી ન આવે મળવા

મળવાનુ વચન આપી ન આવે મળવા
હળવેકથી કહે આજે તો એપ્રીલ ફૂલ છે

આંખમાં આવકાર, હોઠો પર જાકારો
આરસના છળ પણ કેવા ક્રુઅલ છે

આકરા તાપમાં ફિલ્ડીંગ ભરી વર્ષો
કેચ પકડાયો તો કહે ફાઉલ છે

જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાની
પછી કહે ‘કખગ’ કેટલો કુલ છે

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.
એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.
લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.
નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.
ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.
હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.
આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.
‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી
- બેફામ

સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી

સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી
ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી
એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી
વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.
વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી
ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી
કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી
વેબ પેજે અવરોધે અહંકારી ફાયરવૉલ આકરી.
“યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી
લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી
વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને વાંસળી
મિડીયા પ્લેયરે ગુંજાયે “હરે કૃષ્ણા” મંત્ર માધુરી.
કૃપા ડાઉનલોડ કરવા છે જરૂરી માનવતા મૅમરી
વાસનાના વાયરસ મહીં તું વેડફી દઈશ ના બૅટરી
હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લે પ્રેમ અને સેવા-ચાકરી
હોમ પેજ બનીશ “દિલ”ને ઍલર્ટ મોકલે મોરારી!

આ મોબાઇલ મને નડે છે.

આ મોબાઇલ મને નડે છે.
પતિની પાછળ આ મોબાઇલ પત્ની ની જેમ્ ફરે છે,
કંઇક ખોટુ બોલતા આમજ પકડાવી દે છે.
આ મોબાઇલ મને નડે છે.
હાલતા ચાલતા ગમે ત્યારે બોલી પડે છે,
અને ન ઉપાડો ત્યાં સુધી બોલ્યા કરે છે,
આ મોબાઇલ મને નડે છે.
રજા માં પણ બોસ ના ફોન આવ્યા કરે છે,
અને ન્ ઉપાડો તો બીજે દિવસે હાલત્ ખરાબ થાય છે.
આ મોબાઇલ મને નડે છે.
રાત્રે પણ સુવા ન દે,
અને એની રીંગટોન જાણે હ્દય માં શુળ ભોંકે છે.
આ મોબાઇલ મને નડે છે.
ફીલ્મ માં પણ્ વાગે ત્યારે બૂમાબૂમ થઈ જાય છે
અને એ બેટો બેઠો બેઠો હસે છે,
આ મોબાઇલ મને નડે છે.

વાપરતા તો આનંદ આનંદ થાય છે,
બીલ આવે ત્યારે ખીસ્સુ મારુ રડે છે,
આ મોબાઇલ મને નડે છે.
ભાવનાઓ નો થયો ભુક્કો ને હવે તો,
પત્રો ને બદલે મીસ્ કોલ્ અને મેસેજ જ થાય છે,
આ મોબાઇલ મને નડે છે.
ભગવાન ને ફરિયાદ કરવા ફોન કર્યો,
તો કહે છે,”તમે ડાયલ કરેલો નંબર હાલ માં વ્યસ્ત છે.”
આ મોબાઇલ મને નડે છે.
શું તને પણ્ આ મોબાઇલ આમજ નડે છે

shayari

થોડીક શીકાયત કરવી’તી,
થોડાક ખુલાસા કરવા’તા,
એ મોત જરા રોકાઈ જતે,
મારે પણ બે ચાર કામ હતા,
જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાના જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામ હતા….
———————————
કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે….
———————————
મ્રુત્યુ ના જતુ રહે ધ્યાન રાખુ છુ,
મારા હર એક સ્વાસ ને સાવધાન રાખુ છુ,
મારા અરમાનો ની હોળી કોઈ શુ કરશે?
હ્રદય માં જ સળગતુ સ્મશાન રાખુ છુ.
———————————
શ્વાસ તો ખૂટી જવાને હોય છે,
પરપોટો ફૂટી જવાને હોય છે.
લાખ એને સાચવે આંખો છતાં
સ્વપ્ન તો તૂટી જવાને હોય છે.
———————————
અરમાનો ને રોકે તેવી કોઇ મિનાર હોય તો સારુ,
દિલની ઇચ્છાઓ ને રોકે તેવી દિવાલ હોય તો સારુ,
મારે મૃત્યુ પછી પણ એમને જોવા છે,
મારી કબરમાં નાની તિરાડ હોય તો સારુ…..

Sunday, September 13, 2009

કોઇની પણ વાતમાં પડતો નથી,

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી .

Saturday, September 12, 2009

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !

મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના !

મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઉડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

-મનોજ ખંડેરિયા

શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને

શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.

શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.

શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.

- ચંદ્રકાંત શેઠ

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

-મનોજ ખંડેરિયા

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.

અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.

હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !

પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.

‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.

-ગની દહીંવાલા

Thursday, September 3, 2009

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

Tuesday, September 1, 2009

આ છોકરીઓ ગજબની ચીજ છે

આ છોકરીઓ ગજબની ચીજ છે !
છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ
આઘેથી જુઓ તો ઇદ છે !આ છોકરીઓ …
આંખો જાણે કે એની હેલોજન લાઇટ,
અને નજરો જાણે કે એની ચાકુ,
બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે
ઘોડા પર ચંબલનો ડાકુ !
એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ
ને એક રીતે જુઓ તો કીક છે !આ છોકરીઓ …
ચહેરા પર ખીલ જોઇ અરીસાને ગાળ દે,
ને વાળ એના ખરતાં તો રોતી,
અંદર-અંદરથી એવી ચોળાયા કરતી કે
હું પેલા આવી તો ન્હોતી !
ચાલુ-બંધ ચાલુ-બંધ થાતી આ છોકરીઓ
જાણે કોઇ ઇલેકટ્રીક સ્વીચ છે !આ છોકરીઓ …।
એની કોઇ બહેનપણી સાથે હું બોલુંતો
એને દિલ પડતાં ઉઝરડાં,
રહેવા દે ભઇલા, એ એમ નહિ માને,
એને રાજી કરવાની એક રીત છે। આ છોકરીઓ …।

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વેબસાઇટ ઉપર મળે છે સનમ
ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ
મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ
આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ
શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ
દિલની ધડકન છે સૉફ્ટવેર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ
લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ
આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ
- અદમ ટંકારવી (ગુજલિશ ગઝલો માંથી સાભાર )

તારી યાદ આવે છે

તારી યાદ આવે છે।
સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે।

એક એક મીનિટ તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે।

બેસુ છું કામ કરવા
મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને,
ડેસટોપ ની જેમ તું સામે આવે છે।

ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
પન થોડી થોડી વારે એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે।

શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે।

સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
વાઇરસ બનીને તું સામે આવે છે।

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો
ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી।
રસ્તાની ગાયો હઠાવી તો જો।
ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો।
બીન લાદેનને આંગળી અડાડી તો જો।
ચીર પુર્યાં તે દ્રૌપદીનાં।
મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો।
ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી।
કોલેજની છોકરી એક પટાવી તો જો।
સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો।
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો।
હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો.

એક માણસ હારવાનો, વારતાનાં અંતમાં

એક માણસ હારવાનો, વારતાનાં અંતમાં,
હું દિલાસો આપવાનો, વારતાનાં અંતમાં।
સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું, પુરાવો માગવાનો વારતાનાં અંતમાં।
પાનખરની કેટલી થઈ છે અસર, એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાનાં અંતમાં।
હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં।
કોણ મારા શ્વાસનો હકદાર છે, એ જાણાવા,
રાત આખી જાગવાનો, વારતાનાં અંતમાં।
જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો, વારતાના અંતમાં।

आदिल mansuri

જયારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે
પહેલા પવનમાં કયારે હતી આટલી મહેક
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર
ઝૂલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલોના ચહેરા વસંતમાં
તારા જ રૂપરંગ વિશે વાત થઈ હશે
‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે